રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા-રાજકોટના પ્રોજેક્ટ ડાયરેક્ટશ્રી પંકજકુમાર રોયની મુલાકાત લઈ હાઈ-વે તથા ઓવરબ્રીજને લગતા પ્રશ્નોની રજુઆત કરેલ….
શહેરની મધ્યમાં આવેલા ગોંડલ રોડ ચોકડીથી શાપર-વેરાવળ તરફ જતો નેશનલ હાઈવે દિવસ-રાત સતત ધમધમતો હાઈવે છે. આ હાઈવે ઉપર અવરજવર કરતાં ઉદ્યોગકારો તથા લોકોને ગોંડલ રોડ ચોકડી, ક્રિષ્ના પાર્ક પાસે ઓવરબ્રીજની કામગીરી દરમ્યાન તથા બિસ્માર હાલતમાં થઈ ગયેલા રસ્તાઓથી પડતી મુશ્કેલીઓને ધ્યાને લઈ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ શ્રી વી.પી. વૈષ્ણવ, માનદમંત્રી શ્રી નૌતમભાઈ બારસીયા તથા કારોબારી સભ્યશ્રી અમૃતભાઈ ગઢીયાએ તા. ૧૪-૧૨-૨૦૨૦ના રોજ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા-રાજકોટના પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી પંકજકુમાર રોયની રૂબરૂ મુલાકાત લઈ હાઈવેના તથા નવા ઓવરબ્રીજ અને રોડ-રસ્તાઓ રીપેરિંગ કરવા બાબતે મુદ્દાસર રજુઆતો કરેલા જેના પ્રત્યુત્તરમાં પ્રોજેક્ટર ડાયરેક્ટર શ્રી પંકજકુમારે જણાવેલ કે
હાલ ગોંડલ રોડ ચોકડી, ક્રિષ્ના પાર્ક પાસે ઓવરબ્રીજનું રીટેન્ડરિંગ થઈ ગયેલ છે. કોન્ટ્રાક્ટર દ્વારા સ્ટ્રક્ચર ડિઝાઈન બનાવી રહેલ છે જે ફાઈનલ થતા જ ઓવરબ્રીજની કામગીરી શરૂ કરવામાં આવશે. પ્રથમ બંને સાઈડના આવવા-જવાના રસ્તાની રેમ્પ બનાવી ત્યારબાદ ઓવરબ્રીજની કામગીરી શરૂ થશે તથા વહેલી તકે કામગીરી પૂર્ણ કરવા પ્રયાસ કરવામાં આવશે.
ક્રિષ્ના પાર્કથી આગળ કોઠારીયા ફાટક પાસે તથા કાંગશીયાળી તરફ જવાના રસ્તા પર ટ્રાફિકની સમસ્યા હોય રાજકોટ ચેમ્બર તરફથી બ્રીજ બનાવવાની માંગણી કરવામાં આવી તેનો પ્રોજેક્ટ ડાયરેક્ટરે સ્વીકાર કરીને જણાવેલ કે ક્રિષ્નાપાર્ક ચોકડી ગોંડલ રોડથી જેતપુર સુધીના સીક્સ લેન નેશનલ હાઈ-વે રોડ બનાવવાની પ્રક્રિયા અત્યારે હાઈવે ઓથોરિટીએ હાથ ધરેલ છે. તેમાં ગોંડલ રોડ ચોકડીથી જેતપુર સુધી સર્વે થઈ ગયેલ છે. તેમાં જ્યાં જરૂરિયાત છે તે મુજબના ઓવરબ્રીજ હાઈવેના નિયમ પ્રમાણે બનાવવાની પ્રક્રિયા અને સર્વે હાથ ધરવામાં આવેલ છે. જે ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે.
ગોંડલ રોડ ચોકડીથી શાપર સુધીનો નેશનલ હાઈ-વે તેમજ સર્વિસ રોડ રિપેર કરવાના ટેન્ડર બહાર પાડવામાં આવેલ છે. જેની છેલ્લી તા. ૨૨-૧૨-૨૦૨૦ છે. ટેન્ડર ઓપન થયા પછી શક્ય તેટલી ઝડપથી રોડ રિપેરિંગની કામગીરી કરવામાં આવશે.
ફાસ્ટટેગ તા. ૦૧-૦૧-૨૦૨૧થી ફરજિયાત કરવામાં આવશે તેના માટે લોકોને ઓછી મુશ્કેલી પડે તે માટે ટોલ પ્લાઝા ઉપર વધારે સ્ટાફ રાખી ઝડપથી ટોલ પ્લાઝા પસાર કરી3 શકાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
આજી નદી તથા ખોખડદડી નદી ઉપરના ઓવરબ્રીજ (૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપરના) પહોળા કરવાની કામગીરીનો સર્વે પણ કરવામાં આવેલ છે અને બંને બાજુના સર્વિસ રોડ પૂર્ણ કરવાની કામગીરી કરવામાં આવશે. વધુમાં ખોખડદડી નદીના ઓવરબ્રીજ નીચે એક અંડરપાસ બનાવવામાં આવે જેથી બંને બાજુ ઉદ્યોગકારો તથા લોકો સરળતાથી અવર-જવર કરી શકે તેવી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા રજુઆત કરવામાં આવેલ. જેમાં પ્રોજેક્ટ ડાયરેક્ટશ્રીએ તમામ રજુઆતોને ધ્યાને લઈ હકારાત્મક અભિગમ દર્શાવી તમામ કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા પ્રયાસ કરવામાં આવશે તેવી ખાતરી આપેલ છે.